ગોંડલ: મગફળી કૌભાંડને લઇને જેતપુરના પેઢલા ગામે શુક્રવારે પરેશ ધાનાણીએ ધરણા કર્યા હતા. ત્યારે આજે ધાનાણી શનિવારે ગોંડલમાં ધરણા પર બેસી ગયા છે. તેણે જણાવ્યું હતું કે, મગફળી કૌભાંડ અંગે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. ગોંડલ, ગાંધીધામ, રાજકોટ છેલ્લાં બે અઢી માસથી નાફેડ દ્વારા મગફળીના ગોડાઉનમાં રહસ્યમય રીતે આગ લગાડી કરોડોનું કૌભાંડ આચરાયું છે.
પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર આ કૌભાંડને છાવરતી હોય તેમ આગ લાગ્યાની ઘટનાઓમાં કોઇ પણ જાતની તપાસ કરી શકી નથી. જ્યારે મોટા માથાઓ આ કૌભાંડમાં સંડોવાયા હોય સરકાર તેમનો બચાવ કરવા પ્રયત્નો કરી રહી છે. મગફળી કૌભાંડ અંગે રાજ્યવ્યાપી કોંગ્રેસ દ્વારા આંદોલન શરૂ કરાશે. બે દિવસ પહેલા પેઢલા ખાતે પણ મગફળીની બોરીઓમાં ધૂળના ઢેફા નીકળતા પાપ છાપરે ચડી જાહેર થવા પામ્યું છે. સરકારે 900 રૂ.ના ભાવે મગફળી ખરીદી હતી તે માલ વેપારીઓને વહેંચવા સુધીમાં 350 રૂ. જેટલો ખર્ચ થયો હતો, બાદમાં તે જ મગફળી વેપારીઓને 600થી700માં આપી ખોટ કરી છે ત્યારે સરકાર સ્પષ્ટતા કરે કે મગફળી ખરીદ કૌભાંડમાં કુલ કેટલું નુકશાન અને કેટલું કૌભાંડ થયું છે.
ગોંડલમાં રામરાજ્ય જિનિંગ મિલની બહાર કોંગ્રેસ દ્વારા છાવણી નાખી ધરણાનો કાર્યક્રમ
ગોંડલ ખાતે ઉમવાળા રોડ ઉપર આવેલ રામરાજ્ય જીનિંગ મિલના ગોડાઉનમાં મગફળીના અંદાજે 28 કરોડના જથ્થામાં આગ લાગવાની ઘટના તથા તાજેતરમાં જેતપુરના પેઢાલા ખાતે મગફળી કૌભાંડ સામે કોંગ્રેસ આક્રમક બની છે. આજે સવારે ગોંડલ રોડ ઉપર આવેલ રામરાજ્ય જીનિંગ મિલના ગેટની બહાર કોંગ્રેસ દ્વારા છાવણી નાખી વિધાનસભાના વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણીએ ધરણાં શરૂ કર્યા છે. ગોંડલ કોંગ્રેસના પ્રવક્તા દિનેશભાઈ પાતરના જણાવ્યા મુજબ સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી પરેશભાઈ ધાનાણી દ્વારા ધરણા કરાશે. ઉલ્લેખનીય છે કે ગોંડલ પંથક ભાજપનો ગઢ ગણાય છે ત્યારે ગોંડલમાં જ વિધાનસભાના વિપક્ષી નેતા દ્વારા ધરણાનું આયોજન કરતા ઉતેજના ફેલાવા પામી છે. ધરણાના પગલાને લઇ છાવણી પાસે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.