ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ કાવડયાત્રા શરૂ થઇ ચૂકી છે. ગાઝિયાબાદમાં એક વૃદ્ધ દંપતીને લઈને તેના 5 દીકરાઓ કાવડયાત્રા પર નીકળ્યા છે. ઇતિહાસ મુજબ પહેલીવાર શ્રવણકુમારે ત્રેતાયુગમાં કાવડયાત્રા કરી હતી.
પ્રજ્ઞાચક્ષુ માતા-પિતાને તીર્થયાત્રા કરાવવા શ્રવણકુમારે તેમને કાવડમાં બેસાડીને હિમાચલના ઉના ક્ષેત્રથી હરિદ્વાર સુધી લાવીને ગંગા સ્નાન કરાવ્યું હતું. તે જ રીતે આ 5 દીકરાઓ કળીયુગના ‘શ્રવણ’ બનીને તેમના માતા-પિતાને કાવડમાં બેસાડી હરિદ્વાર યાત્રાએ લઇ ગયા છે.
તેમની કાવડયાત્રા મુરાદનગરના આઇટીએસ પાસે પહોંચી કે તરત સ્થાનિક લોકો તેમની તરફ દોડી ગયા હતા. ફૂલમાળા પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યા હતું.
માતા-પિતાની સાથે હતા પાંચેય દીકરા
હરિયાણાના પલવલ જિલ્લાના ગામ ફુલવારી નિવાસી ચંદ્રપાલ સિંહ તેમજ તેમની પત્ની રૂપવતી પોતાના પાંચ દીકરા બંસીલાલ, અશોક, રાજૂ, મહેન્દ્ર તેમજ જગપાલ સાથે ગામમાં રહે છે.
ચંદ્રપાલ સિંહના દીકરાઓ મજૂરી કરીને પરિવારનો ખર્ચો ચલાવે છે. ચંદ્રપાલ સિંહ પણ મજૂરી કરતા હતા.
ચંદ્રપાલ સિંહે જણાવ્યું કે તેમની ઘણા સમયથી ઈચ્છા હતી કે તેઓ હરિદ્વારથી કાવડ લઈને આવે પણ આવું થઇ શક્યું નહીં.
ઉંમર વધતી ગઈ અને પગે પણ સાથે છોડી દીધો.
એક વર્ષ પહેલા આ વાત જયારે તેમણે પોતાના દીકરાઓને કહી તો તેમણે વચન લીધું કે આ વખતે તેમની આ ઈચ્છા જરૂર પુરી કરશે.
એક દિવસમાં 8થી 10 KM ચાલે છે
ચંદ્રપાલના મોટા દીકરા બંસીલાલે જણાવ્યું કે,’અમે પાંચ ભાઈઓ સિવાય ગામના અન્ય પાંચ યુવકોની મદદ લઇ રહ્યા છીએ. 12 જુલાઈએ હરિદ્વારમાં માતા-પિતાને ગંગા સ્નાન કરાવીને કાવડ ઉપાડ્યું હતું. અશોકના જણાવ્યા અનુસાર તેઓ એક દિવસમાં 8થી 10 કિમીનું અંતર કાપે છે.