સુરતઃ દારૂ પી ઘરે આવેલા પતિએ પત્નીને કહ્યું હતું કે, આજે તને અને તારી દીકરીને મારી નાખવાનો છું. વારંવાર ઝઘડા કરતો અને મારામારી કરતો પતિ પોતાને મારી નાખશે એવા ડરના કારણે પત્નીએ જ પતિનું ભરનિંદરમાંપતાવી દીધો હતો. સાડીમાં મૂકવાની લેશપટ્ટીથી ટૂંપો આપી પતિની હત્યા કરનારી પત્નીની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત રોજ કતારગામમાં એક પત્નીએ દારૂડિયા પતિની હત્યા કરતા ધરપકડ કરવામાં આવી છે
શંકાસ્પદ હાલતમાં લાશ ઘરમાંથી મળી હતી
કાપોદ્રા સહયોગ સોસાયટીમાં રહેતા હરેશ વિનુ દુધાત્રા હીરા ઘસવાની મજૂરી કામ કરતો હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી કામ ધંધો છોડી દારૂ પીને અવાર નવાર પત્ની દયાબેન સાથે ઝઘડો કરતો હતો. દરમિયાન ગત તા. 16મીના રોજ રાત્રે હરેશની ઘરેમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. મૃતક હરેશના પિતા વિનુભાઇ દુધાત્રાએ તેના પુત્ર હરેશની તેની પત્ની દયાએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
ફોરેન્સીક પોસ્ટમોર્ટમમાં હત્યાનો ખુલાસો થયો
સૂત્રોના જણાવ્યા મુજબ, હરેશ રોજ દારૂ પીને ઝઘડો કરતો હતો. રોજના ઘરકંકાસને કારણે દયા કંટાળી ગઇ હતી. બનાવના દિવસે પણ હરેશ ઝઘડો કરી દયાને મારવા માટે દોડ્યો હતો. અને કહ્યું હતું કે, આજે તને અને તારી દીકરીને મારી નાખવાનો છું. જેથી પત્નીએ હરેશને નિંદરમાં ટૂંપો આપી મારી નાખ્યો હતો. પોલીસે હરેશના પિતા વિનુભાઈની ફરિયાદ લઈ દયાબેન દુધાત્રા સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. અને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે હરેશની પત્ની દયાની ધરપકડ કરી છે