હાર્દિકની તાકાત ઘટાડવા ઉપવાસ ટાણે જ સાથી કથિરિયાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન દરમિયાન ભડકાઉ ભાષણો આપી રાજ્યભરમાં તોડફોડ કરવાના રાજદ્રોહના ગુનામાં પકડાયેલા સુરતના પાસના કન્વીનર અલ્પેશ કથિરિયાને એડિ.ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ યુ.એન. સિંધીએ વધુ 3 દિવસના રિમાન્ડ આપ્યા છે.

પાટીદાર આંદોલનમાં ભડકાઉ ભાષણો કરવા બદલ રાજદ્રોહના ગુનામાં ધરપકડ કરાઈ હતી

ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.એસ.ગેડમે આરોપી કથીરિયાના 5 દિવસના રિમાન્ડ પૂરા થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે આરોપીના વધુ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ખાસ સરકારી વકીલ સુધિર બ્રહ્મભટ્ટ અને અમિત પટેલે દલીલ કરેલી કે, આરોપી વકીલ હોઇ તપાસમાં યેનકેન પ્રકારે સહકાર આપતો નથી. આરોપીની એફએસએલમાં વોઇસ સ્પેકટ્રોગ્રાફી કરવી જરૂરી હોવા છતાં તે સહમતી આપતો નથી.

કથીરીયાએ આંદોલન વખતે સુરતમાંથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા: વકીલ 

આરોપીના મોબાઇલ ફોનના ઇન્ટરસેપ્શન દરમિયાન થયેલ વાતચીત અંગેની ટ્રાન્સક્રીપ્ટમાં આરોપી પોતાની વાતચીત અંગે કબૂલાત કરે છે પરંતુ સામેવાળી વ્યકિત કોણ હતી તે અંગે જણાવતો નથી. આરોપીનો મોબાઇલ ફોન અને સીમકાર્ડ કબ્જે કરવાનું છે. કથીરીયાએ આંદોલન વખતે સુરતમાંથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા. આ રૂપિયા અંગે તપાસ કરવાની છે. 25 ઓગષ્ટ 2015ના રોજ અમદાવાદના જીએમડીસીખાતે કથીરિયા લઇને આવેલા લોકો કોણ હતા તેની તપાસ માટે રિમાન્ડ આપવા જોઇએ.

હાર્દિક ફાર્મહાઉસ પર કરશે આમરણાંત ઉપવાસ

અમદાવાદ: હાર્દિક પટેલ આજે 25 ઓગસ્ટથી જ આમરણાંત ઉપવાસ કરવા જઈ રહ્યો છે. તેના ભાડાના ફાર્મ હાઉસ પર ઉપવાસ કરવાનો છે ત્યારે તેમાં સામેલ થવા માટે તેના નિવાસ સ્થાને પાટીદારોએ ધામા નાખી દીધા છે. તો કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા, અને કિરીટ પટેલ પણ તેના નિવાસે સમર્થન માટે પહોંચી ગયા છે. તેના ઉપવાસ આંદોલનને પોલીસે કોઈ પણ સ્થળની મંજુરી આપી નથી. પરંતુ હાર્દિકે મક્કમ મને મંજુરી મળે કે ન મળે ઉપવાસ તો કરવાનું નક્કી કરી લીધું હતું.

પોલીસ હાર્દિકને સમર્થન આપવા જનારના ડોક્યુમેન્ટની ચકાસણી, નોંધણી બાદ આપે છે પ્રવેશ

હાર્દિક આમરણાંત ઉપવાસ કરવા જઈ રહ્યો છે ત્યારે તેને સમર્થન આપવા માટે ગુજરાતભરમાંથી પાટીદારો ઉમટી રહ્યા છે. ગ્રીનવુડ રિસોર્ડમાં આવેલા હાર્દિકના નિવાસે જતાં પાટીદાર સમર્થકોને પોલીસ ગેટ બહાર ડોક્યુમેન્ટની ચકાસણી કરે છે ત્યારે બાદ તેમનું નામ નોંધીને અંદર પ્રવેશ આપે છે. પોલીસની આ કાર્યવાહીથી પાસ નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજ્યમાં 144ની કલમ લાગુ

હાલમાં સમગ્ર રાજ્યભરમાં સલામતી અને શાંતિ જળવાય રહે તે માટે તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક કરાઈ છે. આ સાથે અમુક જિલ્લાઓમાં 144 લાગુ કરી દેવાઈ છે. અમદાવાદ શહેરના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં એસઆરપી અને પોલીસ ફોર્જ ઉતારી દેવામાં આવી છે

હાર્દિકની ટીમે ઉપવાસ માટે 13 દિવસનું શિડ્યુઅલ જાહેર કર્યું

આજે હાર્દિક ઉપવાસ કરી રહ્યો છે ત્યારે તેણે આજથી લઈને આગામી 6 તારીખ સુધી ઉપવાસનું શિડ્યુઅલ જાહેર કર્યું છે. તેમાં કયા વિસ્તારના પાટીદારો સમર્થનમાં જોડાશે તેનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ મધ્યપ્રદેશ , રાજસ્થાન , બિહાર , મહારાષ્ટ્ર , ઉત્તરપ્રદેશ અને હરિયાણાના ખેડૂતો અને સવર્ણો પણ 28મીએ હાજર રહેશે તેવું જાહેર કરાયું છે. સાથે જ એ સિવાયના પાટીદારોને પણ ગમે ત્યારે ઉપવાસમાં જોડાવવા માટે આહવાન કર્યું છે.

હાર્દિક પટેલને ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં બેસીને ઉપવાસ કરવાની મંજૂરી માંગી હતી પણ ગાંધીનગર જિલ્લા કલેક્ટરે પોલીસ અભિપ્રાયના આધારે મંજુરી આપી નથી.

પરવાનગી ન આપવી તે મારા માટે નહીં સરકાર માટે શરમજનક વાતઃ હાર્દિક

હાર્દિકે ઉપવાસ પર બેસવાને લઈ કહ્યું કે, સરકારે મને પરવાનગી નથી આપી તે મારા માટે નહીં પણ સરકાર માટે શરમજનક વાત છે. હું આવતીકાલે મારા નિવાસસ્થાને ઉપવાસ ઉપર બેસવાનો છુ, આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, આ ખેડૂતો અને અન્યાય સહન કરનાર લોકોની લડાઈ છે. મને મકાન ભાડે આપનાર વ્યક્તિને બોલાવીને પોલીસ દબાણ કરી રહી છે અને બે-બે વખત ભાડા કરાર મંગાવવામાં આવ્યો છે, આમ છતાં મારી લડાઈ ચાલુ રહેશે.

વિસનગર કોર્ટે હાર્દિક, લાલજી અને એકે પટેલને આપ્યા સોલવન્સી જામીન

વિસનગરમાં MLAની ઓફિસમાં તોડફોડ મામલે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલે રૂ.20 હજાર ભરીને સોલવન્સી જામીન મેળવ્યા છે. આ અગાઉ ત્રણેયને વિસનગર કોર્ટે 2 વર્ષની સજા ફટકારી હતી. ત્યાર બાદ તેમને ત્રણ કલાકમાં જ જામીન મળ્યા હતા. ત્યારબાદ તેમણે હાઇકોર્ટમાં અરજી કરતાં હાઇકોર્ટે વિસનગર કોર્ટના ચુકાદા પર સ્ટે આપ્યો હતો.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here