રાજપથ ક્લબમાં સ્વિમિંગ કોચ હાર્દિકે છોકરીને પટ્ટાથી ફટકારી, વીડિયો થયો વાયરલ..જુઓ

કોચના ડરથી ધ્રુજી રહી છે છોકરીઓ

અમદાવાદ: શહેરની સૌથી પોશ એવી રાજપથ ક્લબમાં સ્વિમિંગ શીખવતા કોચે બે છોકરીઓને પટ્ટાથી ફટકારતા જોરદાર વિવાદ થયો છે. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં સ્વિમિંગ કોચના ભયથી રીતસરની ધ્રુજી રહેલી છોકરીઓ સ્પષ્ટ જોઈ શકાય છે. વીડિયોમાં કોચ છોકરીઓને ‘સીધી ઉભી રહે નહીંતર લાત મારીશ…’ એવું કહેતો પણ સાંભળી શકાય છે. આ કોચનું નામ હાર્દિક પટેલ હોવાનું બહાર આવ્યું છે. હાર્દિકે બે છોકરીઓના માબાપને માફી માગતા મેસેજ મોકલ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.

ક્લબે કહ્યું, ‘એક્શન લઈશું’

વ્હોટ્સએપ પર વાયરલ થયેલા આ વીડિયો અંગે રાજપથ ક્લબે પણ સ્પષ્ટતા આપી છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, ક્લબે જણાવ્યું છે કે જવાબદાર સ્વિમિંગ ઈન્સ્ટ્રક્ટર સામે પગલાં લેવામાં આવશે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ જ્યાં શહેરનો ઉચ્ચવર્ગ જાય છે તેવા ક્લબના આ વીડિયોએ ખાસ્સી ચર્ચા જગાવી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, જે બે છોકરીઓ સાથે કોચે આવું વર્તન કર્યું છે, તેમના મા-બાપે કોચની તરફેણ કરતા મેસેજ રાજપથના વ્હોટ્સએપ ગ્રુપમાં મૂક્યા છે.

કોચ બોલ્યો, ‘લાત મારીશ…’

પ્રાપ્ત વિગતો અનુસાર, આ વીડિયો ગુરુવારે સાંજે જ લેવામાં આવ્યો હતો. જેમાં સ્વિમિંગ શીખતી અન્ય છોકરીઓની હાજરીમાં જ કોચે વાદળી રંગના સ્વિમિંગ કોશ્ચ્યુમમાં રહેલી છોકરીને પટ્ટાથી ફટકારી હતી, જ્યારે અન્ય એક છોકરીને ‘લાત મારીશ તો સીધી પાણીમાં જઈશ’ તેવું કહ્યું હતું.

કોચ હાર્દિકે શું કહ્યું?

સ્વિમિંગ કોચે કહ્યું કે, “આ વીડિયોને ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યો છે. એ કોઈ ચાબુક કે પટ્ટો નહીં પરંતુ કપડાંની પટ્ટી છે. આ પટ્ટી વાગતી નથી પરંતુ સ્વિમિંગ શીખનાર વ્યક્તિના મનમાં થોડો ડર રહે છે. આ તમામ સ્ટેટ લેવલના સ્વીમરો છે.

ઘણી વખત તાલિમના ભાગરૂપે અમારે આવી સજા કરવી પડતી હોય છે. આવું કરવા પાછળનો ઈરાદો એટલો જ હોય છે કે સ્વીમરને મનમાં સારું પરફોર્મ કરવાનો ઉત્સાહ રહે. સ્વિમિંગ કરાવવા માટેની જે વ્હીસલ હોય છે તેની જ આ પટ્ટી છે. સ્વિમિંગ વખતે તેમના માતાપિતા પણ બાજુમાં જ બેઠા હોય છે. આ મામલે તેમના માતાપિતાઓ તરફથી જ એવી સૂચના આપવામાં આવતી હોય છે કે તેમને થોડી સજા આપવામાં આવે.”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top