સુરતી મહિલાનો સ્મૃતિ ઇરાનીને પત્રઃ ‘પહેલા અમે 20 મહિલાઓ કામ કરતી, આજે 5ને જ કામ મળે છે’

સુરત: છેલ્લા એક વર્ષમાં ટેક્સટાઇલ સાથે સંકળાયેલી 5 લાખ મહિલાઓ પાસે 60 ટકા સુધી કામ ઘટ્યું છે ત્યારે દિવ્ય ભાસ્કરના આગ્રહથી જીએસટીના કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવેલી મંદી પછી હેરાન થઇ રહેલી મહિલાઓએ પોતાની વ્યથા વ્યક્ત કરતો પત્ર કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીને લખ્યો છે.

યાર્ન એક્સપોનો પ્રારંભ કરાવવા ટેક્સટાઇલ મંત્રી ઇરાની આજે સુરતમાં

21મી જુલાઇએ જીએસટી કાઉન્સિલની મળેલી બેઠકમાં ટેક્સટાઇલની સમગ્ર ચેઇનને આઇટીસી રીફંડ આપવાની મોટી રાહત આપી છે. ત્યારે ટેક્સટાઇલ સાથે સંકળાઇને ઘરઘથ્થુ સાડી પર લેસ,ટીક્કી,બુટ્ટા વગેરે ચોંટાડવાનું કામ કરતી 5 લાખ મહિલાઓની સ્થિતિમાં હજુયે કોઇ સુધારો આવ્યો નથી. એક વર્ષમાં તેમની આવકમાં 50 થી 70 ટકા સુધીનો ઘટાડો થવાની સાથે રોજે-રોજ મળતા કામમાં પણ 50 ટકા સુધીનો ઘટાડો થયો છે.

ત્યારે ઘરગથ્થુ ઉત્પાદન કરતી મહિલાઓ તરફ પણ શનિવારે યાર્ન એક્સપોનો પ્રારંભ કરાવવા સુરત આવી રહેલા કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાની તેમની સમસ્યાઓ પણ ઉકેલે તેવી માગ ઉઠી છે. દિવ્ય ભાસ્કર દ્વારા અગાઉ વીવીંગ, નિટીંગ,એમ્બ્રોઇડરી સહિત ટેક્સટાઇલ પ્રોસેસિંગ સેક્ટરની વાસ્તવિક્તા અંગે કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાનીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તે અંગે પગલા પણ લેવાયા છે. વીવર્સને રાહત કરી આપવા જેવો કાપડમંત્રીએ ભાગ ભજવ્યો હતો તેવો જ મહિલાઓ માટે પણ ભજવે તેવી લાગણી છે.

2008ની મંદીમાં કામ શરૂ કર્યું, 2018માં બંધ થવા પર

2008ની ડાયમંડની મંદી પછી ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘરની મહિલાઓ એમ્બ્રોઇડરી ઉદ્યોગ તરફ વળી હતી. કુલ 5 લાખ મહિલાઓ એમ્બ્રોઇડરીમાં હતી. તેમાંથી 50 ટકા વધુ મહિલાઓ પાસે કામ નથી. મશીનો પણ 50 ટકા જેટલા બંધ છે. 2018માં તેમની આજીવિકા પર મોટી અસર થઇ છે. – દિનેશ અણઘડ, પ્રમુખ,એમ્બ્રોડરી એસોસિએશન

મહિલા તરીકે લાગણી સમજી શકશો

પ્રિય
સ્મૃતિબેન ઈરાની

સવિનય સાથે જણાવવાનું કે,
એક મહિલા તરીકેની મારી લાગણી આપના સુધી પહોંચાડવાની છે કે સુરત એક કાપડ ઉદ્યોગનું મથક ગણાય છે. કાપડના વેપાર ઉદ્યોગની સાથે કાપડની અંદર લાખોની સંખ્યામાં બહેનો હેન્ડવર્ક અથવા મશીનવર્ક કરી પોતાના પરિવારમાં મદદરૂપ થતી હતી. એક વર્ષ પહેલાં અમારી સાથે 20 જેટલી મહિલાઓ સંકળાઇને માસિક 10 થી 15 હજારની આવક મેળવતાં હતા. અમારું ટર્ન ઓવર પ્રમાણે 50 હજાર જેવો હાથ ખર્ચ નીકળી જતો હતો. હવે માત્ર 3 થી 4 બહેનોને 1000 થી 1500 રૂ.ની આવક મેળવીને કામ ચલાવે છે. હાલ અમે જ્યા રહીએ છીએ ત્યાં નીચેના ગાળાને પહેલા ગોડાઉન તરીકે ઉપયોગ કરતા હતા. આજે ગણતરીનો જ માલ અમને મળતો હોવાથી માત્ર 20 હજાર સુધીનું જ કામ માસિક ધોરણે થઇ શકે છે. – કૈલાસબેન મુકેશભાઇ કાછડીયા, ચામુંડાનગર

લેસની મજૂરી હવે રૂપિયા 10થી ઘટીને 7 થઇ ગઇ

4 વર્ષથી તેઓ સાડી પર લેસ લગાડવાનું કામ કરે છે. એક વર્ષ અગાઉ સાડી પર લેસ લગાડવામા તેમને 10 રૂ. સુધી મળતાં જે હવે રૂ. 7  છે.  માર્કેટથી માલ આવતો ઘટી ગયો છે. પહેલાં દિવસમાં 100 જેટલી સાડીઓ આવતી હતી. હવે ત્રણ દિવસે 100 સાડી, તો કોઇકવાર તેનાથી પણ ઓછો માલ આવતો હોઇ છે. મોટા વેપારીઓને ફાયદો થયો છે નાનાને નુકસાન થઇ રહ્યું છે. – હિતેક્ષા વઘાસીયા, સીતારામનગર

પહેલા સાડીઓના ગઠ્ઠાથી ઘર ભરેલું રહેતું હતું

સાડીઓના ગઠ્ઠાથી ઘર ભરેલું રહેતું હતું. હવે સ્થિતિ એ થઇ ગઇ છે કે જે પહેલાં 10 જેટલી મહિલાઓને 10 હજાર સુધીની આવક મળી જતી હતી, ત્યારે હવે 4થી 5 બહેનોને 4 થી 5 હજાર સુધીની જ રોજગારી આપી શકાય છે. – જયાબેન પટોળિયા, પારસમણી સોસાયટી

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here