રાજસ્થાન સરકારે આરક્ષણ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, ગુર્જર સહિત પાંચ જ્ઞાતી જે સૌથી પછાત વર્ગમાં આવે છે, તેઓ બધા 21 ટકા અનામતના હકદાર છે. અનામત ઓબીસી કોટામાં મળવું જોઇએ. જેનાથી આ વર્ગના લોકોને સ્કૂલ-કોલેજ અને સરકારી નોકરીઓમાં લાભ મળી શકે.
કર્મચારી વિભાગે સોમવારે એક આદેશ રજૂ કરતા કહ્યું છે કે, અતિ પછાત વર્ગોને અન્ય પછાત વર્ગ અંતર્ગત 21 ટકા અનામતનો અધિકાર છે. અતિ પછાત વર્ગમાં પાંચ જ્ઞાતીઓ આવે છે જેમાં ગુર્જર, ગાડરિયા,રાઇકા-રબારી, ગાડિયા લુહાર-ગદાલિયા અને વણઝારાનો સમાવેશ થાય છે. અને આદેશ કરવામાં આવ્યો છેકે, જો શૈક્ષણિક સંસ્થાઓમાં અથવા સરકારી નોકરીઓમાં અતિ પછાત વર્ગોના લોકોને સામાન્ય રીતે પ્રવેશ ન આપ્યો કે, નિમણૂંક ન કરી તો 21 ટકા અનામતના આધારે વિચાર કરવામાં આવશે. ત્યારબાદ આ શ્રેણીના વ્યક્તિને નિર્ધારિત કરવામાં આવેલા એક ટકા અનામતનો પણ લાભ આપવા ઉપર વિચાર કરાશે.
આદેશમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, અનામત માટે આપવામાં આવેલી ગાઇડલાઇનનો યોગ્ય રીતે પાલન કરવામાં આવતું નથી. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે 21 ડિસેમ્બર 2017ને ગુર્જરોને એક ટકા અનામત આપવાની સૂચના આપી હતી.
આ અનામત અતિ પછાત વર્ગ અંતર્ગત આપવામાં આવ્યું હતું. 7 જુલાઇએ જયપુરમાં થનારી વડાપ્રધાનની બેઠકનો ગુર્જર અનામત સંઘર્ષ સમિતિએ વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય બાદ રવિવારે સંસદીય કાર્યમંત્રી રાજેન્દ્ર રાઠોડે કહ્યું હતું કે, અનામત સંબંધી પત્ર ટૂંક સમયમાં રજૂ કરાશે. જ્યારે બીજી તરફ સંઘર્ષ સમિતિના પ્રવક્તા હિંમત સિંહે કહ્યું કે પીએમ મોદીના વિરોધની ચેતવણી પાછી લઇ લીધી છે. કારણ કે તેઓ સરકાર દ્વારા અપાયેલા આદેશથી સંતુષ્ટ છે.