અત્યારે પાટીદાર સમાજને અનામત, ગુજરાતના ખેડૂતોના દેવા માફી સહિતના મુદ્દા સાથે હાર્દિક પટેલ આમરમઆંત ઉપવાસ ઉપર છે. ત્યારે પાટીદાર અગ્રણી સંસ્થાઓ હાર્દિક પટેલની માંગણીઓના સમર્થનમાં સામે આવી હતી. તો ઉઝા ઉમિયા માતા સંસ્થાન પણ ખેડૂત દેવા માફી અને અનામત મુદ્દે સમર્થન આપવાની જાહેરાત કરી છે. આજે રવિવારે સવારથી પાટીદાર સમર્થન યાત્રા પાટણથી નીકળી હતી જે ઊંઝા ઉમિયા માતાના મંદિર પુરી થઇ હતી. ત્યાર બાદ પાસના નેતા અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ઔપચારિક બેઠક યોજાઇ હતી. જેમાં ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામતના મુદ્દે ચર્ચા થઇ હતી. ચર્ચા બાદ ઊંઝા ઉમિયા માતા સંસ્થાનના મંત્રી દિલીપ પટેલે ખેડૂત દેવા માફી અને અનામત મુદ્દે સંસ્થાનનું સમર્થન આપતું નિવેદન આપ્યું હતું.
ઊંઝા ઉમિયા માતા સંસ્થાનના મંત્રી દિલીપ પટેલે જણાવ્યું હતું કે, “ઊંઝા ઉમિયા માતા સંસ્થાન એક કરોડો પાટીદારોના આસ્થાનું કેન્દ્ર છે. અહીં લેવાતા નિર્ણયો સીધા અસર થાય છે. ત્રણ વર્ષ પહેલા પાટીદાર અનામત આંદોલન પહેલા તબક્કામાં ચાલતું હતું ત્યારે સંસ્થાન દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. જોકે, તાજેતરમાં સંસ્થાનની યોજાયેલી જનરલ બેઠકમાં સંસ્થાનના મુદ્દાઓની ચર્ચા થયા બાદ બેઠખમાં ખેડૂતોના દેવા માફી અને પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ચર્ચાયો હતો.
હવે આ આંદોલન બીજા તબક્કામાં પહોંચ્યું છે. ત્યારે ખેડૂતોના દેવા માફીનો મુદ્દો હજારો પાટીદાર ખેડૂતોને પણ અસર થાય છે અને પાટીદાર અનામત મુદ્દાને ટેકો જાહેર કરાયો હતો. સંસ્થાનની બેઠકમાં ખેડૂત દેવા માફી મુદ્દે ઠરાવ કરાયો હતો. આ મુદ્દાઓને સરકાર સમક્ષ રજૂઆત કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.”
ઉલ્લેખનીય છે કે, પાસના મનોજ પનારા દ્વારા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સી.કે. પટેલની માફી માંગી હતી. ત્યારબાદ પાટીદાર અગ્રણીઓ અને પાસ વચ્ચે થયેલા વિવાદનો અંત આવ્યો હતો. ત્યારબાદ આ સંસ્થાઓ દ્વારા હાર્દિક પટેલના આંદોલનને સમર્થન આપ્યું હતું. અને તેની માંગણીઓ સહિત બીજી 10 માગણીઓને સરકાર સમક્ષ મુકી હોવાનું પણ જાહેર કર્યું હતું. હવે ઊંઝા ઉમિયા માતા સંસ્થાન પણ ખેડૂતોના દેવા માફી અને અનામત મુદ્દે આગળ આવી છે