સારંગપુરમાં કેટલાક તોફાનીઓએ દુકાનોમાં તોડફોડ કરી હોવાની ઘટના બાદ સ્થિતિને કાબૂમાં લેવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ સારંગપુર દોડી આવી હતી.
યાત્રાધામ ચોટીલામાં પ્રદર્શનકારીઓએ દુકાનો બંધ કરાવવા માટે પથ્થરમારો કર્યો હતો. જેમાં એક દુકાન પાસે ઉભેલા બે બાળકોને પણ પથ્થર વાગતા તેમને માથામાં ઈજા થઈ હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા વેપારીઓ ચોટીલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, અને તોફાનીઓ સામે કડક પગલાં લેવા માગ કરી હતી.
બીઆરટીએસ બાદ અમદાવાદમાં એએમટીએસની બસો પણ અટકાવી દેવાઈ છે. એએમટીએસની 32 જેટલી બસોમાં તોડફોડ કરવામાં આવી છે. બસોને બંધ કરી દેવાતા લાખો મુસાફરો રઝળી પડ્યા છે.
સીએમ વિજય રુપાણીએ હિંસક બનેલા ભારત બંધ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી. રુપાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ દલિતોને ગેરમાર્ગે દોરી રહી છે. તેમણે દલિતોને શાંતિ જાળવી રાખવા તેમજ જાહેર મિલકતને નુક્સાન ન પહોંચાડવા પણ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુપ્રીમના ચુકાદા સામે કેન્દ્ર સરકારે રિવ્યૂ પિટિશન કરી દીધી છે.
ટીવી રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદના સારંગપુર વિસ્તારમાં દુકાનો બંધ કરાવવા નીકળેલા ટોળાંએ કેટલીક દુકાનોમાં તોડફોડ કરી હતી. ટોળાંની તોફાની હરકતને કારણે સ્થાનિકોમાં જોરદાર રોષ ભભૂકી ઉઠ્યો હતો. સારંગપુરમાં સવારથી જ મોટી સંખ્યામાં દલિતો એકત્ર થયા છે. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ સારંગપુરમાં ઉપસ્થિત છે. ઉગ્ર થયેલા દલિતોએ સારંગપુર બ્રિજને પણ આડશો મૂકીને બંધ કરી દીધો હતો.
ઉગ્ર બનેલા દલિતોએ વડોદરામાં સિટી બસ સેવા બંધ કરાવી દીધી હતી. ટીવી રિપોર્ટ્સ અનુસાર, 200થી વધુ લોકોનું ટોળું રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પર પહોંચ્યું હતું અને ટ્રેનને રોકવામાં આવી હતી. એક દલિત યુવક ટ્રેનના એન્જિનમાં ચઢી ગયો હતો. પોલીસે સમજાવટથી આખો મામલો થાળે પાડી ટ્રેનના એન્જિનમાં ચઢી ગયેલા યુવકને નીચે ઉતાર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા રેલવે સ્ટેશને થયેલા હલ્લાબોલને કારણે પાંચ જેટલી ટ્રેનોને સ્ટેશન પર જ અટકાવી દેવાઈ હતી.
અમદાવાદમાં 15 જેટલી બસો પર પથ્થરમારો કરાતા બીઆરટીએસની સેવા બંધ કરવામાં આવી છે.
મોટી સંખ્યામાં સારંગપુર પાણીની ટાંકી પાસે એકઠા થયેલા દલિતોએ સારંગપુર બ્રિજને જ આડશો મૂકીને બંધ કરી દીધો હતો. સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા આ વિસ્તારમાં રસ્તા બંધ કરી દેવાતા વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી, અને લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી.
અમદાવાદના સારંગપુર વિસ્તારમાં દલિતો ઉપરાંત આદિવાસીઓએ પણ કર્યું વિરોધ પ્રદર્શન. તીર-કામઠાં સાથે આદિવાસીઓએ કર્યો એસસી-એસટી એક્ટમાં સુધારાનો વિરોધ. દલિતોના વિરોધ પ્રદર્શનને કારણે વિસતથી ચાંદખેડા સુધીનો રસ્તો પણ બંધ કરી દેવાયો.
ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના મોટાભાગના જિલ્લાઓ તેમજ મોટા શહેરોમાં દલિતો રસ્તા પર ઉતરી આવ્યા છે, અને ST-ST એક્ટમાં સુપ્રીમે કરેલા સુધારાનો વિરોધ કરી રહ્યા છે.