કોરોના વાયરસ સતત પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. હવે આ વાયરસનું નવું વેરિયન્ટ મળ્યું છે. જેને ડેલ્ટા+ વેરિયન્ટ તરીકે ઓળખવામાં આવ્યો છે. આ કોરોના ડેલ્ટા વેરિયન્ટથી બન્યો છે જેનાથી સંક્રમણ ખૂબ વધી રહ્યું છે.
આ વચ્ચે મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા નિયુક્ત ટાસ્ક ફોર્સે આશંકા વ્યક્ત કરી છે કે જો, કોરોના ગાઈડલાઈન્સનું પાલન ન કરવામાં આવ્યું તો આવનારા એક અથવા બે મહિનામાં મહામારીની ત્રીજી લહેર મહારાષ્ટ્રમાં આવી શકે છે. આને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, વરિષ્ઠ ડોક્ટરો અને અધિકારીઓને ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં દવાઓ અને સ્વાસ્થ્ય ઉપકરણો સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.
ટાસ્ક ફોર્સે સૂચવ્યું હતું કે ત્રીજી લહેરમાં કેસની કુલ સંખ્યા બીજી લહેરમાં સક્રિય કેસ સાથે બમણી થઈ શકે છે. દળનું માનવું છે કે સક્રિય કેસની સંખ્યા 8 લાખ સુધી પહોંચી શકે છે, એવી આશંકા પણ છે કે 10% કેસો બાળકો અથવા યુવાન વયસ્કો સાથે સંબંધિત હોઈ શકે છે.
કોરોના વાયરસના ડેલ્ટા+ વેરિયન્ટની વાત કરીએ તો, ત્રીજી લહેરમાં આ વેરિયન્ટને લઈને દર્દીઓની સંખ્યા બીજી લહેર કરતા પણ ક્યાંય વધારે વધી જાય તેવી શક્યતા છે. રાજ્યમાં મહામારીની પ્રથમ લહેરમાં 19 લાખ અને બીજી લહેરમાં આશરે 40 લાખ જેટલા દર્દીઓ નોંધાયા હતા. સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે, ત્રીજી લહેરમાં 8 લાખ સક્રિય રોગીષ્ટો પણ જોવા મળી શકે છે. આ પૈકી 10 ટકા બાળકો હોઈ શકે છે.