હાર્દિકના ઉપવાસના સમાધાનના સંકેતો, પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ મળવા પહોંચ્યા, શું થયું જાણો વિગતવાર

અમદાવાદઃ હાર્દિક પટેલના ઉપવાસના છેક આઠમા દિવસે પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ હાર્દિકની ઉપવાસી છવાણી પહોંચ્યા હતા. જ્યાં તેમણે હાર્દિકને સાથે મળીને ઉપવાસ સમેટી લેવાની વિનંતી કરી હતી. આજે સવારે જ હાર્દિક પટેલ જળગ્રહણ કરીને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. તેના થોડા જ કલાકોમાં એકાએક પાટીદાર સંસ્થાઓના આગેવાનો હાર્દિકને મળવા પહોંચી જતાં ટૂંક સમયમાં હાર્દિકના આમરણાંત ઉપવાસનું સમાધન થઈ શકે છે તેવા સંકેતો જણાઈ રહ્યા છે.

ઊંઝા ઉમિયા ધામના પ્રમુખ, તેમજ સીદસર સંસ્થાના પ્રમુખ જેરામ બાપા સહિત અન્ય સંસ્થાના આગેવાનો હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ છાવણીની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં જેરામ બાપાએ જણાવ્યું હતું કે, સંસ્થામાં આંદોલનને સમર્થન કરવાનો ઠરાવ થયેલો છે. આંદોલનની માંગણીને લઇ અમે યુવાનોની સાથે સરકાર સાથે ચર્ચા કરીશું.

આર્થિક માપદંડના ધોરણે વિચારવાની જરૂર છે. આંદોલન શરૂ થયું ત્યારથી મધ્યસ્થી તરીકે છું. અત્યાર સુધી કોઇ નક્કર નિર્ણય નથી થયો હતો. સમાજના આગેવાનો મધ્યસ્થીનો પ્રયાસ કરે છે. ઝઘડો આંદોલનકારી અને સરકાર વચ્ચે છે. પાણીનો ત્યાગ કર્યો હતો એટલે તેને પાણી પીવડવા આવ્યા હતા. આનો સુખદ ઉકેલ આવે તેવો સંસ્થાનો ઉદ્દેશ છે.

 

ઉપવાસનો આજે 8મો દિવસ

પાસ કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 8મો દિવસ છે. હાર્દિકનું વજન સતત ઘટી રહ્યું છે અને સ્વાસ્થ્ય પણ કથળી રહ્યું છે. બે દિવસ જળ ત્યાગ કર્યા બાદ હાર્દિકે આજે સવારે એસ.પી.સ્વામીના હાથે પાણી પીધું હતું. જો કે હાર્દિકે પાણી ભલે પીધું પણ તે અન્ન લેશે નહીં અને ઉપવાસ ચાલુ રાખશે.

અમિત ચાવડાએ લીધી મુલાકાત

હાર્દિક પટેલના વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના આઠમા દિવસે તેને સમર્થન આપવા દેશભરમાંથી લોકો આવવાના છે, ત્યારે આજે બપોરે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ મળવા પહોંચ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના ધારાસભ્યો અને રાજ્યસભા સાંસદ હાજર રહ્યા હતા.


હાર્દિકને મધુસુદન મિસ્ત્રીનું સમર્થન


મધુસુદન મિસ્ત્રીએ હાર્દિકના સમર્થનમાં જણાવ્યું હતું કે, સરકાર જે પૈસા ખોટી રીતે વિદેશ પ્રવાસમાં બગાડે છે, તે શિક્ષિત બેરોજગારોના હિત માટે વાપરવા જોઈએ. સરકારે હાર્દિકની વાત સંભળાવી જોઈએ, અમે હાર્દિક પટેલના આંદોલનને સમર્થન કરીએ છીએ. સરકાર હંમેશા લોકોને બદનામ કરવાના પ્રયત્નો કરે છે. પાટીદાર, ગરીબો અને સમાજના પ્રશ્નોને વાચા આપવાની કોઈ નીતિ સરકારની રહી નથી. હાર્દિકની ચળવળ ને ટેકો આપવા આવ્યો છું.


ગઈકાલે સ્વામીએ હાર્દિકને પાણી પીવા સમજાવ્યો હતો


આ પહેલા ગઈકાલે સાંજે ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી. સ્વામી સહિતના આગેવાનોએ હાર્દિકને જળ ત્યાગ મૂકીને પાણી પીવાની સલાહ આપી હતી. જો કે આમ છતાં હાર્દિક ટસનો મસ થયો નહોતો. તો બીજી તરફ રાજ્ય સરકાર તરફથી હજુ સુધી કોઇ પણ પ્રકારનો પ્રતિભાવ મળ્યો નથી કે કોઈ અણસાર પણ ન હોવાથી આ લડત લંબાઈ શકે છે. જેના કારણે પાસના કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા જો લડત ચાલુ રાખવી હોય તો પાણી પીને ઉપવાસ કરવા ભારે દબાણ કરવામાં આવ્યું છે.

 


હાર્દિકના ઘરે 24 કલાક એમ્બ્યુલન્સ રાખવા પોલીસે લખ્યો પત્ર


આ દરમિયાન હાર્દિકની તબિયત વધુ ખરાબ થઇ રહી હોવાના અણસાર શરૂ થતા પોલીસ અને ગુજરાત સરકાર ઉંઘતી ના ઝડપાઇ જાય એટલે પાસના અગ્રણી નિખિલ સવાણીને લેખિતમાં સોલા પોલીસની હદમાં ઉપવાસ સ્થળ આવતું હોવાથી ઇન્સ્પેક્ટર દ્વારા જણાવાયું છે કે, હાર્દિકની તબિયતને ધ્યાનમાં રાખીને એક એમ્બ્યુલન્સ તેના નિવાસ સ્થાને 24 કલાક તૈનાત રખાશે. જેથી હાર્દિકને તકલીફ વધે તો એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર માટે લઇ જઇ શકાય.

 

પોલીસના પત્ર બાદ પણ ન આવી એમ્બ્યુલન્સ


જો કે સોલા પોલીસના આ પત્ર પછી પણ એમ્બ્યુલન્સ નિવાસ સ્થાને આવી નહીં હોવાનું પાસ દ્વારા જણાવામાં આવ્યું હતું. જો હાર્દિકની તબિયતની ચિંતા હોય તો નિવાસ સ્થાને જ એમ્બ્યુલન્સ રાખવા પણ માગણી કરાઇ છે.

અમદાવાદથી સાબરકાંઠા અને સુરતમાં દેખાવો


સરકાર વહેલી તકે માગણીઓ સ્વીકારે અને હાર્દિકના સ્વાસ્થ્ય સારૂ રહે તેમજ સમર્થનમાં અમદાવાદના વસ્ત્રાલમાં સવારે રામધૂનનો કાર્યક્રમ શરૂ કરાયો હતો. તે ઉપરાંત ઘૂમા, સુરેન્દ્રનગર, સુરત તથા સાબરકાંઠાના અનેક ગામમાં પણ ઉપવાસ-દેખાવો યોજાયા હતા.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here