ગાંધીનગર: હાર્દિક પટેલના ઉપવાસને 11 દિવસ થયા અને તેની તબિયત લથડી છે ત્યારે સરકારે પાટીદાર સમાજની અગ્રણી 6 સંસ્થાના આગેવાનોને મંત્રણા માટે બોલાવ્યા હતા. ઊર્જામંત્રી સૌરભ પટેલ, કૌશિક પટેલ અને પ્રદીપસિંહ જાડેજા તેમજ પાટીદાર સમાજના અગ્રણીઓ વચ્ચે અઢી કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સરકારે પાટીદાર અગ્રણીઓને હાર્દિક પટેલને વહેલી તકે પારણાં કરવા માટે સમજાવવાની જવાબદારી સોંપી હતી.
બીજી તરફ હાર્દિક પટેલ તરફથી એવું જણાવાયું છે કે, સરકાર સાથે ચર્ચા કરવા ગયેલા સામાજિક આગેવાનો એ કોઈ ‘પાસ’ના ઓફિશિયલ પ્રતિનિધિ નથી કે તેમને હાર્દિક તરફથી સરકાર સાથે વાત કરવા મોકલાયેલા નથી. જો કોઈ ચર્ચા કરવી હોય તો સરકાર સીધી જ હાર્દિક પટેલ સાથે જ ચર્ચા કરે.
પાટીદાર સમાજની 6 સંસ્થાઓના અગ્રણીઓની સોલા ઉમિયાધામ ખાતે બેઠક ચાલી
પાટીદાર સમાજની 6 સંસ્થાઓના અગ્રણીઓની સોલા ઉમિયાધામ ખાતે મંગળવારના રોજ બેઠક ચાલી હતી. ત્યાર બાદ તેઓ સરકાર સાથે વાટાઘાટ કરવા ગાંધીનગર ગયા હતા. ત્યાર બાદ પાટીદાર અગ્રણી સી.કે. પટેલે જણાવ્યું કે સરકાર સાથેની બેઠકમાં સમાજના તમામ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા થઇ. સરકારે અમને સામેથી આમંત્રણ આપ્યું હતું અને હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.
હાર્દિક પટેલ અંગે સરકાર પણ ચિંતિત છે. સમાજના આગેવાનો હાર્દિક પાસે જઇને પારણાં કરવા સમજાવશે. આંદોલન કોનાથી પ્રેરિત છે તેના કરતા વિશેષ મહત્વ સમાજના પ્રશ્નો છે. ખેતી, વીજળી, શિક્ષણ, અનામત જેવા પ્રશ્નો સમાજના છે, હાર્દિકના પ્રશ્નો તેના પોતાના પણ હોઇ શકે પરંતુ અમે તમામ પ્રશ્નો અંગે ચર્ચા કરી છે.
તમામ મુદ્દાઓ અંગે હકારાત્મક વિચારણા કરીશુ, હાર્દિક ડોક્ટરોને સહકાર આપેઃ સૌરભ પટેલ
બીજીતરફ ઊર્જા મંત્રી સૌરભ પટેલે સવારે એવું નિવેદન આપ્યું હતું કે, હાર્દિક પટેલને કોંગ્રેસનો ટેકો છે, હાર્દિકને મળવા જનારા નરેન્દ્ર મોદી અને ગુજરાતના વિરોધીઓ છે. જ્યારે સાંજે પાટીદાર સમાજના આગેવાનો સાથેની બેઠક બાદ સૌરભ પટેલે જણાવ્યું કે, પાટીદાર સમાજની 6 સંસ્થાઓ સાથે વિસ્તૃત ચર્ચા થઇ.
સરકાર તે અંગે હકારાત્મક વિચારણા કરશે. અમે સમાજના આગેવાનોને વિનંતી કરી છે કે તમે બને તેટલા ઝડપથી પારણાં કરાવો. જો કે હાર્દિકની ખેડૂતોની દેવામાફીની માગણી અંગે સૌરભ પટેલે કોઈ ફોડ પાડ્યો નહોતો.
સૌરભ પટેલ ધમકી આપવાનું બંધ કરે: હાર્દિક
મંગળવારની સવારે મંત્રી સૌરભ પટેલે આપેલા નિવેદનનો જવાબ આપતા હાર્દિકે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે, મંત્રી એમ કહે છે કે, હાર્દિક પ્રેમથી માને તો પ્રેમથી નહીંતો રાજકીય રીતે સમજાવીશું. ત્યારે મંત્રીને જણાવવા માગું છું કે, આવી ધમકી છેલ્લા ત્રણ વર્ષથી ભાજપની સરકારના ઘણા નેતાઓ આપી ચૂક્યા છે. જીવન-મરણ ઈશ્વરના હાથમાં છે. હું દરેક દિવસને જીવનનો છેલ્લે દિવસ માનીનેજ ચાલુ છું.
હાર્દિકનો ખાનગી મેડિકલ રિપોર્ટ
– કિટોન બોડીઝ અને એસીટોનનું પ્રમાણ વધ્યું.
– લિવરમાં સીરમ એસિટોનનું પ્રમાણ વધ્યું.
– જેનાથી કિડની અને લિવરને નુકસાન થઈ રહ્યું છે.
– હોસ્પિટલાઈઝ્ડ થવું અત્યંત જરૂરી, તબિયત ક્રિટિકલ કહેવાય
બંદોબસ્ત જરૂરી હતો: પોલીસ
હાર્દિક પટેલના ઉપવાસ સ્થળે જો યોગ્ય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં ન આવે તો તોફાનો થવાની શક્યતા હોવાનું પોલીસે હાઇકોર્ટ સમક્ષ કરેલી એફિડેવિટમાં સ્પષ્ટ કર્યું છે. સ્થિતિ જાળવવા માટે કલમ 144 લગાવી તેના પાલન માટે પોલીસ ગોઠવાઈ છે.
ઊંઝાના MLA બજાર બંધ કરાવવા નીકળ્યાં
ઉમિયા ખોડલના રથની પોલિસે અટકાયત કરતાં પાટીદારોએ ઊંઝા બંધના એલાન આપ્યું હતું, જેમાં કોંગી ધારાસભ્ય ડો.આશાબેન પટેલ પાટીદારો સાથે બજાર બંધ કરાવવા નિકળતા બંધના સર્મથનમાં બજાર બંધ થઈ ગઈ હતી.