દિવંગત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લોરેન્સ બિશ્નોઈનું નામ વારંવાર લેવાનું બંધ કરો, નહીં તો પરિણામ ખૂબ જ ખરાબ આવશે. ધમકીમાં 25 એપ્રિલ સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે. ઈમેલમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે કે અમે સલમાન ખાનને પણ છોડ્યો નથી, તેની રેકી પણ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઈમેલ રાજસ્થાનથી આવ્યો છે.
પંજાબ પોલીસ રાજસ્થાનમાં દરોડા પાડવા પહોંચી હતી
સિદ્ધુ મુસેવાલાના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ પહેલા પણ સિદ્ધુ મુસેવાલાને તેના પિતાને મારી નાખવાની ધમકીઓ મળી ચુકી છે. આ ઈમેલ બાદ પંજાબ પોલીસ દરોડા પાડવા રાજસ્થાન પહોંચી ગઈ છે. સાયબર સેલ મોકલનારને આઇપી એડ્રેસ દ્વારા ઈ-મેલ ટ્રેસ કરશે. આ કેસમાં પોલીસે કેટલાક છોકરાઓની અટકાયત કરી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પરિવાર 19 માર્ચે પુણ્યતિથિ ઉજવશે
તે જ સમયે, ગાયક સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહે 19 માર્ચે માનસામાં તેમના પુત્રની પુણ્યતિથિ મનાવવાની જાહેરાત કરી છે. અહીં મોટી સંખ્યામાં લોકો પહોંચશે. પિતા બલકૌર સિંહનું કહેવું છે કે, ભીડ અને વધતી ગરમીને જોતા તેમણે તેમના પુત્રની પુણ્યતિથિ સમય પહેલા ઉજવવાનું નક્કી કર્યું છે.